ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ

August 27, 2025

ભારત હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણનો સામનો કરી રહ્યું છે. બુધવાર, 27 ઓગસ્ટથી રશિયા પાસેથી તેલ ખરીદવાના દંડ તરીકે, ભારતીય માલસામાન પર અમેરિકામાં 25%નો વધારાનો ટેરિફ લાગુ થઈ ગયો છે. આ સાથે, અમેરિકામાં ભારતીય નિકાસો પર કુલ 50% ટેરિફ લાગુ થવા લાગ્યો છે.

ટ્રમ્પે પહેલાથી જ ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને 25% ટેરિફ લાદ્યો હતો. હવે 27 ઓગસ્ટથી, ટ્રમ્પ સરકાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી ઉપકરણોની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવી રહી છે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયા પર દબાણ વધારવા માટે તેઓ ભારત પર ટેરિફ લાદી રહ્યા છે.

અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% સુધીના ટેરિફ લાગુ થવાથી ભારતનાં કપડાં, રત્ન-આભૂષણો, ઝીંગા, કાર્પેટ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત અને ઓછા માર્જિનવાળા ઉદ્યોગો પર અસર પડી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અંદાજ મુજબ, 2025-26માં ભારતની અમેરિકાને થતી માલસામાનની નિકાસ લગભગ 43% ઘટીને 87 અબજ ડોલરથી 49.6 અબજ ડોલર થઈ શકે છે. આ નિકાસના લગભગ બે-તૃતીયાંશ મૂલ્ય પર 50% ટેરિફ લાગશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ ટેરિફ બે તબક્કામાં લાગુ કર્યો છે: પહેલો 25% ટેરિફ જુલાઈ 2025થી અને બીજો વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટ 2025થી.

સૌથી વધુ અસર પામનારા ક્ષેત્રો

ટેક્સટાઇલ અને કપડાં: ભારતની કુલ નિકાસનો 30% હિસ્સો અમેરિકા પર નિર્ભર છે. 50% ટેરિફથી આ ક્ષેત્રની સ્પર્ધા સમાપ્ત થવાની શક્યતા છે.

રત્ન અને આભૂષણો: 10 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે અને હજારો નોકરીઓ જોખમમાં મુકાઈ જશે.

ઝીંગા: 48% વેચાણ અમેરિકામાં થાય છે. 50% ટેરિફ લાગવાથી તેના ભાવ વધી જશે.

હોમ ટેક્સટાઇલ અને કાર્પેટ: હોમ ટેક્સટાઇલનો 60% અને કાર્પેટનો 50% નિકાસ અમેરિકાને થાય છે. તેમનું વેચાણ પણ ઘટવાની શક્યતા છે.

ફર્નિચર, ચામડા, હેન્ડીક્રાફ્ટસ: આ ક્ષેત્રો પણ ઊંચા ટેરિફને કારણે અમેરિકન બજારમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો: 'આઘાતજનક, અત્યંત દુઃખદ...', ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા

કયા ઉત્પાદનો બચશે?

ભારતથી અમેરિકા જતી લગભગ 30% નિકાસ ટેરિફમુક્ત રહેશે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ (સ્માર્ટફોન અને ચિપ્સ) અને રિફાઇન્ડ પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. જોકે, ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ અમેરિકામાં નહીં બને તો ભવિષ્યમાં તેના પર પણ 200% સુધીનો ટેરિફ લગાવી શકાય છે.

GTRIના અંદાજ મુજબ, આ પ્રભાવિત ક્ષેત્રોમાંથી અમેરિકાને થતી નિકાસ 70% સુધી ઘટીને 18.6 અબજ ડોલર થઈ શકે છે, જેનાથી લાખો શ્રમિકોની નોકરીઓ જોખમમાં છે. આ ઉદ્યોગોએ કોવિડ સમય જેવી નાણાકીય સહાયની માંગ કરી છે.

ભારતની જગ્યાએ હવે વિયેતનામ, બાંગ્લાદેશ, કમ્બોડિયા, પાકિસ્તાન અને ચીન જેવા દેશોને અમેરિકન બજારમાંથી ફાયદો થશે, કારણ કે તેમના ઉત્પાદનો પર ઓછો ટેક્સ લાગી રહ્યો છે.