જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ

August 27, 2025

ભારતે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં પાડોશી દેશ પાકિસ્તાનને પૂરના સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. આ ચેતવણી બાદ પાકિસ્તાની પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા. ભારતના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશન મારફતે પાકિસ્તાનને જાણ કરી કે જમ્મુમાં તાવી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. તેમ છતાં, ભારતે માનવતાના આધારે આ પગલું ભર્યું. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ ઍલર્ટ ફક્ત માનવતાના આધાર પર અપાયું છે અને તેનો સિંધુ જળ સંધિ સાથે કોઈ સંબંધ નથી. ભારતની ચેતવણી મળતાં જ, પાકિસ્તાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)એ તરત જ પૂરનું ઍલર્ટ જાહેર કર્યું. પંજાબમાં ભારે વરસાદ અને નદીઓના વધેલા જળસ્તરને કારણે પંજાબ ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તા ફારુુક અહમદના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કસૂર, ઓકારા, પાકપટ્ટન, બહાવલનગર અને વેહારી જેવા જિલ્લાઓમાં નદી કિનારે રહેતાં લગભગ 20,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રાહત શિબિરો પણ સ્થાપિત કરી છે અને બચાવ કાર્ય માટે મશીનરી સાથે ટીમ તૈનાત કરી છે. NDMAએ આગામી 48 કલાકમાં વધુ ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે, જેના કારણે ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર અને ગુજરાંવાલા જેવા શહેરોમાં પણ પૂરનો ખતરો છે. આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસાએ પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી મામલાના સંકલન કાર્યાલય (OCHA) મુજબ, તાજેતરના પૂર અને ભારે વરસાદને કારણે 500થી વધુ લોકોના મોત થયા છે અને 190થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલાક અનુમાનો મુજબ, અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતોમાં પરિસ્થિતિ ગંભીર છે. બાળકોની હાલત પણ ચિંતાજનક છે, કારણ કે સ્થળાંતર, શિક્ષણમાં અવરોધ અને સ્વચ્છ પાણીની અછત તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી રહી છે. યુનિસેફના અહેવાલ મુજબ, 15મી ઑગસ્ટ પછી ખૈબર પખ્તુનખ્વામાં 21 બાળકો મૃત્યુ પામ્યા છે.