ઇઝરાયેલમાં વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવકિડની 34 સપ્તાહ ટકી

August 27, 2025

નવી દિલ્હી : ઇઝરાયેલના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવ કિડની ૩૪ અઠવાડિયા ટકી રહેતાં હવે કિડનીના રોગોની સારવારમાં ભવિષ્યમાં બહેતર સારવાર મળવાની આશા પેદાં થઇ છે. રિજનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં મળેલી આ સિદ્ધિને પગલે વિજ્ઞાનીઓ હવે લેબમાં વિકસિત કિડનીની ક્લિનિકલ ટ્રાયલ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેલ અવીવ યુનિવર્સિટીના સહયોગથી શેબા મેડિકલ સેન્ટર ખાતે કામ કરતી ટીમે તૈયાર કરેલો હ્યુમન ફેટલ કિડની ઓર્ગેનોઇડ મોડેલ વિશેનો રિપોર્ટ ઇએમબીઓ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટ અનુસાર ટીમે વિકસાવેલી થ્રીડી સિન્થેટિક કિડની ઓર્ગેનોઇડ ૩૪ અઠવાડિયા કરતાં વધારે સમય ટકી રહી છે તે એક વિક્રમ છે. અગાઉ આ પ્રકારના પ્રયોગોમાં કિડની માંડ ચાર અઠવાડિયા જ ટકતી હતી. જો કે, આ કિડની હજી પ્રત્યારોપિત કરી શકાય તેવું અંગ બની નથી. આ કિડનીનુ મોડેલ રોગોનો અભ્યાસ અને તેની  સારવારનું  વધારે ચોકસાઇપૂર્વક પરીક્ષણ કરવામાં ઉપયોગી થઇ પડશે. આ મોડેલ વિજ્ઞાનીઓ ને કિડનીના રોગોનો અભ્યાસ કરવામાં અને તેને માટે નવી સારવારો વિકસાવવામાં  મદદરૂપ થઇ પડશે. સંશોધકોએ જણાવ્યું હતું કે હવે આ કિડનીના મોડેલદ્વારા અમે રોગોનો વધારે બારીકાઇથી અભ્યાસ કરી શકીશું અને સારવારની અસરકારકતાનું પરીક્ષણ કરી શકીશું. નવી સારવાર વિકસાવવામાં પણ તે અમને ઉપયોગી બની રહેશે. શેબાની એડમન્ડ એન્ડ લિલી સાફ્રા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે આવેલી સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ખાતે કામ કરતાં ડો. બેન્જામિન ડેકેલે જણાવ્યું હતું કે સિદ્ધિ કિડનીનું પ્રત્યારોપણ કરવામાં નહીં પણ તેમાંથી ઝરતાં બાયોમોલિક્યુલ્સને સમજવામાં રહેલી છે. આ રસાયણ નુકશાન પામેલી કિડનીને સાજી કરવામાં સહાય કરે છે. આ બાબત સમજવામાં આવે તો પ્રમાણમાં ઓછી સર્જરી કરવી પડે તેવી સારવાર વિકસાવી શકાશે. જો કે, ડેકેલે ચેતવ્યા હતા કે વિજ્ઞાનીઓએ હજી ક્યા પ્રકારના કોષો તેમાં છે તે ઓળખી કાઢવાના બાકી છે. તેમાંથી રસાયણ ઝરે તે કિડનીને સાજી કરવામાં શું ભૂમિકા ભજવે છે તે ચકાસવાનું બાકી છે. એ પછી કિડની મોડેલની હ્યુમન ટ્રાયલ શરૂ કરી શકાશે. હાલ દુનિયામાં લાખો લોકો કિડનીની સમસ્યાઓથી પીડાય છે અને હાલ જે મોડેલ કિડનીના રોગોને સમજવા માટે વપરાય છે તે કદ અને ચોકસાઇની દૃષ્ટિએ મર્યાદિત છે. આ નવું ઓર્ગેનોઇડ રિજનરેટિવ થેરેપીમાં નવા માર્ગ કંડારનારું બની રહેશે તેમ ડો. બેન્જામિન ડેકેલે જણાવ્યું હતું.