કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ

August 29, 2025

રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે: સીએમ ધામી

ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી પડ્યા, રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી

ચમોલી : ઉત્તરાખંડમાં અનેક સ્થળો પર અવિરત વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ચમોલી જિલ્લામાં ભૂસ્ખલન થતાં એક પરિવારના બે સભ્યો ગુમ થયા છે. જ્યારે બાબા કેદારનાથના રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદારમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી છે. આ દરમિયાન અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે. અહેવાલ અનુસાર, રુદ્રપ્રયાગ જિલ્લામાં છ લોકો ગુમ થયા છે. અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમ પર પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાઓમાં કેટલાક પરિવારોના લોકો ફસાયેલા હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
અહેવાલો અનુસાર, ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચમોલી જિલ્લાના મોપાટા ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી કેટલાક ઘરો ધસી પડ્યા હતા. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે, 'મોપાટામાં એક ઘર અને ગૌશાળામાં રહેતા એક દંપતી ઘર ભૂસ્ખલનથી દબાઈ ગયા હતા.'


રુદ્રપ્રયાગમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મોડી રાતથી વરસાદને કારણે, ગૌરીકુંડ રુદ્રપ્રયાગ ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે, જ્યારે નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર વધી રહ્યું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે. ઘણા વાહનો ફસાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે.


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું- 'રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તાર હેઠળના બડેથ ડુંગર તોક અને ચમોલી જિલ્લાના દેવલ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે કાટમાળમાં કેટલાક પરિવારો ફસાયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, હું આ સંદર્ભમાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું, આપત્તિ સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે. હું દરેકની સલામતી માટે બાબા કેદારને પ્રાર્થના કરું છું.'