ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનું કારણ રશિયન તેલ ગણાવ્યું

August 29, 2025

યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી: ભારત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનું કારણ રશિયન તેલ ગણાવ્યું છે. જોકે, તે સિવાય અન્ય ઘણાં કારણો પણ સામે આવી રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ મામલે ટ્રમ્પ વ્યક્તિગત રીતે નારાજ છે અને તેનું કનેક્શન ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ સાથે જોડાયેલું છે. જોકે, આ અંગે ભારત કે અમેરિકા દ્વારા કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. 
નાણાકીય સેવા આપતી કંપની જેફરીઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ટેરિફ મુખ્યત્વે અમેરિકન રાષ્ટ્રપતિના વ્યક્તિગત નારાજગીનું પરિણામ છે કે, તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટને ખતમ કરવામાં ભૂમિકા નિભાવવાની તક ન મળી.' આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પને આશા હતી કે તેમને મધ્યસ્થી બનવાની તક મળશે. જો કે, એવું શક્ય નહીં બનતા તેઓ ભારત પર બરાબરના અકળાયા હતા. 
ભારતે સતત કહ્યું છે કે, યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી અને તે દ્વિપક્ષીય હતી. રિપોર્ટમાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારે આર્થિક ખર્ચ છતાં આ રેખા જાળવી રાખવામાં આવી હતી, જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિને તેમની પ્રતિષ્ઠા મજબૂત કરવાની તક મળી ન હતી. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તક ન મળવાને કારણે તેમને નોબેલ પુરસ્કાર જેવી માન્યતાની તક ગુમાવવી પડી હતી.


22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જે હેઠળ પાડોશી દેશમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જવાબમાં, પાકિસ્તાને પણ કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયુ હતું. ભારતે સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાનના ડીજીએમઓની વિનંતી પર યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું.