તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા

August 29, 2025

લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રાસ મંડળી અને મોરલાવાળી છત્રી

તરણેતર : સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક સમા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનું આજે (29 ઓગસ્ટ) રંગેચંગે સમાપન થયું છે. ચાર દિવસ સુધી ચાલેલા આ લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર ધજા ચડાવીને મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
તરણેતર આઉટપોસ્ટથી શરૂ થયેલી આ ધજા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, તેમના પરિવારજનો, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. યાત્રાના સમગ્ર રૂટ પર રાસ મંડળીઓએ રાસની રમઝટ બોલાવી હતી, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. પરંપરાગત પોશાકો જેવા કે આંટાડી પાઘડી અને રંગબેરંગી કેડિયા પહેરીને રાસ લેતા યુવાનોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં અનેક લોકો તરણેતર મેળાની ઓળખ સમાન 'મોરલાવાળી છત્રી' લઈને પણ જોડાયા હતા.
ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં પહોંચતા જ પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરના મુખ્ય પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધજાનું પૂજન કરાવ્યા બાદ મહાદેવના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ સાથે જ સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.