WWE સ્ટાર હલ્ક હોગનનું મોત ખોટી સર્જરીના કારણે થયું? પત્નીએ કર્યો ચોંકાવનારો દાવો

August 29, 2025

WWE ના દિગ્ગજ હલ્ક હોગનનું 24 જુલાઈના રોજ 71 વર્ષની વયે નિધન થયું છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું, પરંતુ હવે તેમની પત્ની સ્કાય ડેલીએ મેડિકલ લાપરવાહીનો આરોપ લગાવતાં ચોકાવનારો દાવો કર્યો છે. જેના કારણે સમગ્ર રેસલિંગની દુનિયામાં હાહાકાર મચી ગયો છે. આ ખુલાસા બાદ બધા આશ્ચર્યચકિત છે.


TMZ સ્પોર્ટ્સના એક  રિપોર્ટ પ્રમાણે સ્કાયનું માનવું છે કે, મે મહિનામાં થયેલી હોગનની ગળાની સર્જરી દરમિયાન તેમની ફ્રેનિક નર્વ કે, જે શ્વાસ લેવાની પ્રક્રિયાને કન્ટ્રોલ કરે છે, તેને નુકસાન થયું છે. સ્કાયએ એક ખાનગી શબપરિક્ષણમાં કરાવેલા રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. 
સ્કાય ડેલીના કહેવા પ્રમાણે સર્જરી પછી હોગનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 911 કોલ દરમિયાન સ્કાયએ એમ પણ કહ્યું કે 'મારા પતિ શ્વાસ નથી લઈ રહ્યા.' સૂત્રોનો દાવો છે કે 911 કોલ સૂચવે છે કે, હોગનનું મૃત્યુ અચાનક હાર્ટ એટેક આવવાથી નહીં, પરંતુ શ્વાસ ન લેવાના કારણે થયું છે. હોગનના ચિકિત્સકે પણ આવા જ દાવા કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સર્જરી દરમિયાન ફ્રેનિક નર્વ કપાઈ ગઈ હતી. આ નસ છાતીમાંથી ડાયાફ્રેમ સુધી જાય છે અને શ્વાસ લેવામાં મહત્તત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.