પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પૂર, પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા

August 29, 2025

લાહોર- રાવી, સતલુજ અને બ્યાસ નદીના જળસ્તરમાં અણધાર્યા વધારાને કારણે પંજાબમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. સેંકડો ગામડાઓમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે, દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. એટલું જ નહીં, રાવી નદીના વધેલા પાણીના સ્તરને કારણે સરહદ પાર, એટલે કે પાકિસ્તાનમાં પણ પૂર આવ્યું છે. આ પાણી પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પ્રવેશ્યું છે. પાણીના કારણે રોષે ભરાયેલા પાકિસ્તાને પૂર માટે ભારતને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે.

પાકિસ્તાનનું કહેવું છે કે, રાવી નદી પર ભારતમાં બનેલા માધોપુર હેડવર્ક્સમાં ટેક્નિકલ સમસ્યાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આ જ કારણે તેજીથી પાણીનું વહેણ આ તરફ આવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતે આની સૂચના પણ નહતી આપી અને અમને તૈયારીની તક પણ ન મળી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે કે, ભારતે એકવાર ફરી જાણકારી ન આપી કે, આવી કોઈ સ્થિતિ પેદા થઈ શકે છે. સિંધુ જળ કરાર રોકવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે, નહીંતર આવું નહતું થાતું. 


જોકે, રવિવાર બાદથી હવે ત્રણવાર ભારત તરફથી સૂચના મળી હોવાનું પાકિસ્તાને સ્વીકાર્યું છે. પહેલી સૂચના એ મળી હતી કે, તવી નદીમાં જળસ્તર વધવાનું છે. ફરી બે વાર સતલુજ નદીના જળસ્તરમાં વધારા વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ, રાવી વિશે કોઈ જાણકારી મળી નથી. હાલ, પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાનનું સિંધુ જળ આયોગ આ અંગે ભારત સાથે વાત પણ કરી શકતું નથી જેથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય. 
પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર, માધોપુર હેડવર્ક્સના ઓછામાં ઓછા 4 દરવાજાને નુકસાન થયું છે. જેના કારણે, મોટી માત્રામાં ખેતીની જમીનને નુકસાન થયું છે. ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનનો આરોપ છે કે કુલ 54 ફ્લડગેટ છે, જેમાંથી એક પણ છેલ્લા ઘણા વર્ષોથી અપગ્રેડ કરવામાં આવ્યો નથી