અમેરિકાના ચર્ચમાં ગોળીબાર: હુમલાખોરની બંદૂક પર હતું ભારત વિરોધી લખાણ

August 28, 2025

અમેરિકાના મિનેપોલિસ શહેરમાં એક ચર્ચ પ્રેયર દરમિયાન ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. જેમાં બે માસૂમ બાળકોના મોત થયા છે અને 17 બાળકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવાર, 27 ઓગસ્ટના રોજ બની હતી.

આ ગોળીબારની એક ચોંકાવનારી વાત એ છે કે હુમલાખોરે પોતાની બંદૂકો પર 'ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો' અને 'ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો' જેવા શબ્દો લખ્યા હતા. આ હથિયારો તેના યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં જોવા મળ્યા હતા, જે હવે ડીલીટ કરી દેવામાં આવી છે. 

હુમલાખોરની ઓળખ 23 વર્ષના ટ્રાન્સજેન્ડર રોબિન વેસ્ટમેન તરીકે થઈ છે. તેણે હુમલા માટે ત્રણ હથિયારો - એક રાઇફલ, એક બંદૂક અને એક પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો અને અનાઉન્સમેન્ટ કેથોલિક સ્કૂલના ચર્ચમાં ડઝનબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં વેસ્ટમેન પાર્કિંગમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે તેણે પોતાની જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

રોબિન વેસ્ટમેનનું 'રોબિન ડબલ્યુ' નામની યુટ્યુબ ચેનલ હતી, જે હવે હટાવી દેવામાં આવી છે. ચેનલ પરથી હટાવવામાં આવ્યા પહેલા બે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક લગભગ 10 મિનિટ લાંબા વીડિયોમાં, મોબાઇલ ફોન પર શૂટ કરવામાં આવેલા હથિયારો, ગોળા-બારૂદ અને ભરેલી મેગઝીનનો સંગ્રહ બતાવવામાં આવ્યો હતો.

મેગઝીન પર 'ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો (Kill Donald Trump)', 'ટ્રમ્પને અત્યારે મારી નાખો (kill Trump now)', 'ઇઝરાયલનો નાશ થવો જોઈએ (Israel must fall)' અને 'ઇઝરાયલને બાળી નાખો (Burn Israel)' લખેલું હતું.

તેના એક હથિયાર પર 'ન્યૂક ઇન્ડિયા' એટલે કે 'ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો' પણ લખેલું હતું. મેગઝીન પર 'તમારો ભગવાન ક્યાં છે?' અને 'બાળકો માટે' એવું બધું લખેલું હતું. સ્કૂલમાં પહેલા હુમલો કરી ચૂકેલા શૂટર્સના નામ પણ એક મેગઝીન પર લખવામાં આવ્યા હતા અને કેટલાક સંદેશાઓ સિરિલિક ભાષામાં લખાયેલા હતા.

ચેનલ પરનો બીજો વીડિયો લગભગ 20 મિનિટ લાંબો હતો. તેમાં બે અલગ-અલગ ડાયરીઓ બતાવવામાં આવી હતી. પહેલી ડાયરી 150થી વધુ પાનાની હતી, જે બધા સિરિલિક મૂળાક્ષરોમાં લખાયેલા હોવાનું જણાય છે. બીજી ડાયરીની છેલ્લી એન્ટ્રી 21/08/25 હતી અને તે 60થી વધુ પાનાની હતી અને તે પણ સંપૂર્ણપણે સિરિલિક ભાષામાં લખાયેલી હતી.

અમેરિકાના હોમલેન્ડ સચિવ ક્રિસ્ટી નોએમે વીડિયોની સચ્ચાઈની પુષ્ટિ કરતાં જણાવ્યું કે 'ગંભીર રીતે બીમાર આ હત્યારાએ રાઇફલની મેગઝીન પર 'બાળકો માટે', 'તમારો ભગવાન ક્યાં છે?' અને 'કિલ ડોનાલ્ડ ટ્રમ્પ' જેવા શબ્દો લખ્યા હતા.'

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વેસ્ટમેને કાયદેસર રીતે હથિયારો ખરીદ્યા હતા, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો અને તેણે એકલા હાથે જ આ હુમલાને અંજામ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે શોકના પ્રતીક તરીકે દેશભરમાં અમેરિકન ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે. અનાઉન્સમેન્ટ કેથોલિક સ્કૂલમાં થયેલો આ ગોળીબાર જાન્યુઆરી પછી અમેરિકામાં કથિત રીતે આ પ્રકારની 146મી ઘટના હતી.