શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો

August 11, 2025

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી મંદીને આજે બ્રેક વાગી છે. સેન્સેક્સ આજે 778 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી 22500ની મહત્ત્વની ટેકાની સપાટીએ પરત ફર્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 3.54 લાખ કરોડનો વધારો થયો હતો. સેન્સેક્સ આજે 746.29 પોઈન્ટ ઉછળી 80604.08 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 221.75 પોઈન્ટ ઉછળા સાથે 24585.05 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં મારૂતિ, ભારતી એરટેલ અને BEL સિવાય તમામ શેર્સ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. 

એકંદરે માર્કેટમાં સુધારાનો માહોલ

એકંદરે આજે માર્કેટમાં લગભગ તમામ સેગમેન્ટમાં સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. હેલ્થકેર, ઓટો, બેન્કેક્સ, રિયાલ્ટી સેગમેન્ટમાં નીચા મથાળે ખરીદી વધી હતી. પરિણામે ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યા હતાં. આ સિવાય એનર્જી, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, પાવર ઈન્ડેક્સ 0.50-1 ટકા આસપાસ ઉછાળે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં વધુ ખટાશ આવે તેવી સંભાવનાઓના કારણે આઈટી સેક્ટરમાં કોઈ ખાસ ખરીદી જોવા મળી ન હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ 0.36 ટકા અને ટેક્નોલોજી 0.34 ટકાના નજીવા સુધારે બંધ રહ્યા હતાં.

નીચા મથાળે ખરીદીનું વલણઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે સળંગ છ દિવસ સુધી સ્ટોક માર્કેટ તૂટ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી હતી. અમેરિકાની ધમકી સામે ભારતે પોતાનું અડગ વલણ જાળવી રાખી લોકોને પેનિક ન થવાનું નિવેદન આપતાં શેરબજારને ટેકો મળ્યો છે.

વૈશ્વિક બજારોમાં સુધારોઃ આજે મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટમાં સુધારાનું વલણ જોવા મળ્યું હતું. અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થવાના છે. જેમાં વૃદ્ધિની અપેક્ષાએ ડોલર અને બોન્ડમાં ઘટાડો નોંધાતા શેરબજારને ટેકો મળ્યો છે. ડાઉ જોન્સ, નાસડેક પણ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

ક્રૂડના ભાવમાં ઘટાડોઃ ગત સપ્તાહે ક્રૂડના ભાવ 4 ટકા સુધી તૂટ્યા હતાં. રોકાણકારો અમેરિકા અને રશિયા વચ્ચે આ સપ્તાહે યુદ્ધ વિરામ માટે યોજાનારી બેઠક પર નજર રાખી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે 0.5 ટકા તૂટી 66.26 ડોલર પ્રતિ બેરલ નોંધાયુ હતું.