તુર્કીયેના જંગલોમાં ફરી ભીષણ આગ, બે લોકોના મોત

July 30, 2025

ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં બુર્સાની આસપાસના જંગલોમાં આગ લાગી છે. આગ એટલી ભયંકર છે કે આકાશમાં ફક્ત જ્વાળાઓ જ દેખાય છે. બે પશ્ચિમી પ્રાંત ઇઝમીર અને બિલેસિકને આપત્તિજનક વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તુર્કીના વનમંત્રી ઇબ્રાહિમ યુમાકાલીના જણાવ્યા અનુસાર, આગને કારણે બે લોકોના મોત થયા હતા.  બુર્સાના ઉત્તર-પૂર્વમાં આવેલા ગામોમાંથી 3515 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 1900 થી વધુ અગ્નિશામકો આગ ઓલવવામાં રોકાયેલા છે. સતત વધતી આગને ધ્યાનમાં રાખીને, બુર્સાને રાજધાની અંકારા સાથે જોડતો હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.

તુર્કીમાં આ ભીષણ આગ એક વ્યક્તિની ભૂલને કારણે લાગી હતી. આ વ્યક્તિએ જૂનું ગાદલું સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. વનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આગના સંબંધમાં સાત શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણને સાકાર્યા અને બાલિકેસિર પ્રાંતમાં લાગેલી આગના સંબંધમાં પકડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ સાકાર્યાથી શરૂ થઈ હતી, જ્યાં એક જૂનું ગાદલું સળગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ પછી, આગ ઝડપથી નજીકના જંગલમાં ફેલાઈ ગઈ. તુર્કીમાં આગનું મુખ્ય કેન્દ્ર બુર્સા છે. જ્યાં આગ ખેતરો અને રહેણાંક વિસ્તારો સહિત 3 હજાર એકર જંગલમાં ફેલાઈ ગઈ છે. ધ સનના અહેવાલ મુજબ, દેશમાં હાલમાં ઓછામાં ઓછી 84 આગની ઘટનાઓ સક્રિય છે. આ ઉપરાંત, ઇઝમિરના જંગલોમાં લાગેલી આગને કારણે હજારો હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.