યુક્રેને પ્રમુખ પુતિન પર ડ્રોનથી હુમલો કર્યો : રશિયન કમાન્ડર

May 27, 2025

મોસ્કો : રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતા યુદ્ધમાં યુક્રેને ૨૦મીના રોજ પુતિનના હેલિકોપ્ટરને લક્ષ્યાંક બનાવીનો ડ્રોન હુમલો  કર્યો હતો. રશિયાના કમાન્ડરે  સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. બીજી બાજુએ ટ્રમ્પે પુતિનને પાગલ ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે પુતિનને કંઇક થઈ ગયું છે. તે બિનજરૂરી નરસંહાર કરી રહ્યા છે.તેની સાથે તેમણે ઝેલેન્સ્કીની પણ ટીકા કરી હતી. રશિયાની એર ડિફેન્સ ડિવિઝનના કમાન્ડરે જણાવ્યું હતું કે પુતિન ૨૦મેના રોજ ક્રુસ્ક ઓબ્લાસ્ટ ગયા હતા. તે સમયે તેમના હેલિકોપ્ટરને લક્ષ્યાંક બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પણ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે એકબાજુએ અમે યુક્રેનના હુમલાનો જવાબ આપી રહ્યા હતા તો બીજી બાજુએ પુતિનની રક્ષા પણ કરી રહ્યા હતા. પુતિન આ હુમલા વખતે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પર સવાર હતા. તે સમયે યુક્રેને મોટી સંખ્યામાં ડ્રોન હુમલો કર્યો હતો. તે સમયે એક્ટિવેટ કરાયેલી એરડિફેન્સ સિસ્ટમે ૪૬ ડ્રોન તોડી પાડયા. રશિયાએ પછી યુક્રેનના હુમલાનો જવાબ આપતા વળતો હુમલો કર્યો અને યુક્રેનના એકસાથે કેટલાય શહેરો પર કરેલા હુમલામાં ૪૦૦ જેટલા મિસાઇલ અને ડ્રોન વડે પ્રહાર કર્યો હતો. તેને હાલમાં ચાલતા યુદ્ધનો અત્યાર સુધીનો મોટો હવાઈહુમલો માનવામાં આવે છે. તેમા ૧૩ લોકોના જીવ ગયા હતા. ડઝનેક લોકો ઇજા પામ્યા હતા. આ હુમલાની ઝપેટમાં કીવ, ખારકીવ, માયકોલાઇવ, ટર્નોપિલ અને ખમેલનિત્સકી જેવા મોટા શહેરો આવ્યા હતા.