બેકારીનો દર સપ્ટેમ્બરમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ : CMIE

October 03, 2023

ભારતમાં બેકારીના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં બેકારીનો દર ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ગયો છે. આમ ઈકોનોમી માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે દેશનાં કેટલાક રાજ્યોમાં ચોમાસું નબળું રહ્યા છતાં અને વરસાદ ધારણા કરતા ઓછો પડયા છતાં ગ્રામીણ બેકારીમાં ઘટાડો થયો છે. જે દેશમાં અર્થતંત્રમાં સુધારો થયો હોવાનાં સંકેતો આપે છે.

સપ્ટેમ્બરમાં એકંદરે બેકારીનો દર 7.09 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 8.10 ટકા હતો. CMIE દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રામીણ બેકારીનો દર સપ્ટેમ્બરમાં 6.20 ટકા નોંધાયો હતો જે ઓગસ્ટમાં 7.11 ટકા હતો. શહેરી બેકારીનો દર પણ સપ્ટેમ્બરમાં ઘટીને 8.94 ટકા નોંધાયો હતો જે ઓગસ્ટમાં 10.09 ટકા રહ્યો હતો.

આ વર્ષે દેશમાં ચોમાસું છેલ્લા પાંચ વર્ષમાં નબળામાં નબળું રહ્યું હતું. અલ નીનોની અસરને કારણે દેશનાં કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડયો હતો. ક્યાંક ભારે વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું. જુલાઈથી સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુમાં દેશમાં સામાન્ય કરતા 6 ટકા ઓછો વરસાદ પડયો હતો. જો કે આમ છતાં હજી સુધી દેશમાં કૃષિ ક્ષેત્રને તેની માઠી અસર થઈ નથી.