વડોદરામાં દુષ્કર્મના હાઈપ્રોફાઈલ કેસમાં પીડિતા હોસ્ટાઈલ, દુષ્કર્મ થયાનો ઈનકાર

May 24, 2023

વડોદરા : વડોદરાના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીને સંડોવી દેતા હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવ્યા બાદ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રુબરુમાં સી.આર.પી.સી. 164નું નિવેદન નોંધાવનારી પીડિતાએ અદાલતમાં ચાલી રહેલી કેસની સુનાવણી દરમિયાન ફેરવી તોળ્યું હતું અને તેની સાથે દુષ્કર્મનો કોઈ બનાવ જ બન્યો નથી, હું તો માત્ર મારા મોબાઈલ ફોન પર અજાણ્યા ફોન નંબર પરથી મળેલા અશ્લીલ ફોટોગ્રાફસ અંગેની ફરિયાદ નોંધાવા માટે ગઈ હતી.

દુષ્કર્મની વાત મેં જણાવી જ નથી તેવું કોર્ટના રેકોર્ડ ઉપર નિવેદન નોંધાવતાં પીડિતાને હોસ્ટાઈલ જાહેર કરવામાં આવી છે. ભોગ બનનાર મૂળ હરિયાણાના રોહતકની 24 વર્ષીય યુવતી શહેરની યુનિવર્સિટીની કાયદાની વિદ્યાર્થિની હતી. તા.19મી સપ્ટેમ્બર 2021ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેણે આરોપી તરીકે શહેરના ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આશ્કરણ જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ (રહે, અલકાપુરી) સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ સ્પાય કેમેરાથી અંગત પળોના ફોટોગ્રાફ વાયરલ કરવાના ગંભીર આરોપ સાથે એફ.આઈ.આર. નોંધાવી હતી. આ કિસ્સામાં આરોપીને મદદગારી કરવા બદલ કાનજી મોકરીયાની સૌ પ્રથમ ધરપકડ થઈ હતી. ત્યાર બાદ રાજુ ભટ્ટ અને અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરવામાં આવી હતી.