પાકિસ્તાનમાં હિંસક વિરોધ, 6 સુરક્ષાકર્મીના મોત, 100થી વધુ સૈનિકો ઘાયલ

November 27, 2024

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો દ્વારા કરવામાં આવેલ વિરોધ હિંસક બની જતાં ચાર અર્ધલશ્કરી દળના જવાનો અને બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. હિંસામાં 100થી વધુ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. આ હિંસાને કારણે સરકારે રાજધાનીમાં સેના તૈનાત કરી છે અને આદેશ આપ્યો છે કે બદમાશોને જોતા જ ગોળી મારી દેવામાં આવે.

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો ઈસ્લામાબાદમાં ડી-ચોક સાઈટ તરફ જતા રસ્તા પર લગાવવામાં આવેલા બેરિકેડ્સ હટાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે મોડી રાત્રે ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પર એક વાહન સાથે અથડાતાં પાકિસ્તાન 'રેન્જર્સ'ના ચાર અધિકારીઓ માર્યા ગયા હતા અને અન્ય પાંચ કર્મચારીઓ અને ઘણા પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક બદમાશો, સંપૂર્ણ રીતે હથિયારો અને દારૂગોળાથી સજ્જ હતા, તેમણે 'રેન્જર્સ'ના જવાનો પર પથ્થરમારો કર્યો અને રાવલપિંડીના ચુંગી નંબર 26 પર સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. જેમાં બે પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હોવાનું પણ જણાવાયું છે.