'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત

July 01, 2025

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંક ખડગેએ જાહેરાત કરી છે કે, 'જો કોંગ્રેસ ફરીથી કેન્દ્રમાં સત્તામાં આવશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર દેશભરમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.' કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત RSSની ટીકા કરી રહ્યા છે અને સંગઠન પર દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે હવે પ્રિયાંક ખડગેની આ જાહેરાતથી નવી ચર્ચા શરુ થઈ છે.  RSS પર દેશભરમાં પ્રતિબંધ મૂકવા વિષે વાત કરતા પ્રિયાંક ખડગેએ કહ્યું કે, 'દેશમાં કોણ નફરત ફેલાવી રહ્યું છે, કોમી હિંસા માટે કોણ જવાબદાર છે, બંધારણ બદલવાની વાત કોણ કરી રહ્યું છે? RSS તેની રાજકીય શાખા BJP પાસેથી મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કેમ નથી પૂછતું કે દેશમાં બેરોજગારી કેમ વધી રહી છે, પહલગામમાં આતંકવાદી હુમલો કેવી રીતે થયો? આ ન પૂછીને, સંઘના લોકો સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. આથી કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું.' કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ વધુમાં કહ્યું કે, 'શું ED, IT જેવી બધી તપાસ એજન્સીઓ ફક્ત વિપક્ષ માટે જ છે, સરકાર RSSની તપાસ કેમ નથી કરતી, તેમના પૈસા ક્યાંથી આવી રહ્યા છે, તેમની આવકનો સ્ત્રોત શું છે. સંઘના લોકો દર વખતે નફરતભર્યા ભાષણો અને બંધારણ બદલવાની વાત કરીને કેવી રીતે છટકી જાય છે, આર્થિક ગુનાઓ કર્યા પછી તેઓ કેવી રીતે છટકી જાય છે, આ બધા મુદ્દાઓની તપાસ થવી જોઈએ.'
પ્રિયાંક ખડગેએ આવું નિવેદન આપ્યું હોય તેવું આ પહેલી વાર નથી. બે વર્ષ પહેલાં પણ કર્ણાટકના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ સંગઠન રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો અથવા સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે, તો સરકાર તેના પર પ્રતિબંધ મૂકવામાં બિલકુલ અચકાશે નહીં.'
27 સપ્ટેમ્બર 1925ના રોજ કેશવ બલરામ હેડગેવારે દ્વારા  વિજયાદશમીના દિવસે RSSની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી આ સંગઠન પર ત્રણ વાર અલગ અલગ કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષ 1948 માં મહાત્મા ગાંધીની હત્યા પછી, સંઘ પર 18 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે બાપુની હત્યા RSS સાથે જોડાયેલી હતી. આ પછી, વર્ષ 1975માં ઇન્દિરા ગાંધીની સરકારે કટોકટીનો વિરોધ કરવા બદલ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બે વર્ષ સુધી રહ્યો હતો. ત્રીજી વખત, વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસમાં સંઘની ભૂમિકાના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ 6 મહિના પછી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.