યશની ‘ટોક્સિક’ને સેન્સર બોર્ડની લીલી ઝંડી: બોલ્ડ અને હિંસાત્મક દ્રશ્યોથી ભરપૂર ફિલ્મ 'અનકટ' પાસ થતાં ચાહકો આશ્ચર્યમાં

August 22, 2026

સામાન્ય રીતે જ્યારે કોઈ ફિલ્મમાં ખૂબ જ હિંસા કે બોલ્ડ દ્રશ્યો હોય ત્યારે સેન્સર બોર્ડ તેના પર કાતર ફેરવી દે છે. પરંતુ 'રોકિંગ સ્ટાર' યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ને એક પણ દૃશ્ય કાપ્યા વિના જ મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર જાણીને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સેન્સર બોર્ડના બેવડા ધોરણો પર સવાલો ઉઠાવી રહ્યા છે. ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન’ (CBFC) દ્વારા ગયા અઠવાડિયે ‘ટોક્સિક’ને રિલીઝ માટે 'A' (એડલ્ટ) રેટિંગ સાથે મંજૂરી આપવામાં આવી છે. 3 કલાક અને 12 મિનિટની લંબાઈ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ કન્નડ અને અંગ્રેજી ભાષામાં થયું છે. નવાઈની વાત એ છે કે બોર્ડે ફિલ્મમાંથી એક પણ દૃશ્ય કાપવા કહ્યું નથી. માત્ર કન્નડ વર્ઝન અને અંગ્રેજી સબટાઈટલમાં 2 નાના શબ્દોને મ્યૂટ કરીને બદલવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ફિલ્મમાં દારૂ અને ધૂમ્રપાન સામેની વૈધાનિક ચેતવણીઓ ઉમેરવામાં આવશે.  ભારતમાં 'ટોક્સિક'ને કોઈ પણ જાતના કટ વિના પાસ થતી જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે. આશ્ચર્યનું મુખ્ય કારણ એ છે કે આના જેવી જ હિંસક રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' પર સેન્સર બોર્ડે ઘણી બધી કાપકૂપ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક યુઝરે સવાલ ઉઠાવતા લખ્યું કે, ‘શું ટોક્સિક ફિલ્મ ધુરંધર કરતા પણ વધુ હિંસક નથી માનવામાં આવતી? તો પછી ધુરંધરમાં વધુ કટ કેમ હતા?’ રસપ્રદ વાત એ છે કે, યુકે (UK) સેન્સર બોર્ડ દ્વારા ‘ટોક્સિક’માં 'ધુરંધર' કરતા પણ વધુ કટ્સ મૂકવામાં આવ્યા છે, જ્યારે ભારતમાં તેને 'અનકટ' પાસ કરાઈ છે. આ ફિલ્મ ટ્રેલરમાં દર્શાવાયેલા કેટલાક હોટ, ઈન્ટિમેટ દૃશ્યો તેમજ મહિલાઓના ચિત્રણને લીધે ચર્ચામાં છે. લોકો સેન્સર બોર્ડના વલણ પર સીધો કટાક્ષ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જ્યારે ફિલ્મોમાં મહિલાઓને વાંધાજનક રીતે દર્શાવવાની વાત આવે છે, ત્યારે CBFC આંખ આડા કાન કરી લે છે.’ તો બીજી એક વ્યક્તિએ મજાક ઉડાવતા કહ્યું કે, ‘આ એ જ બોર્ડ છે જેણે હોલીવુડની ફિલ્મ 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે'માંથી કિસિંગ સીન કાપી નાખ્યો હતો, પરંતુ 'ટોક્સિક'માં તેમને કાપવા માટે કંઈ મળ્યું જ નહિ.’ અન્ય એક યુઝરે ઉમેર્યું, ‘આમાં કોઈ ચુંબન દૃશ્ય નહોતું, એટલે કાપવાની જરૂર ન પડી. CBFC ની પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ છે!’