સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર

January 05, 2026

હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુનઃનિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે, આ લેખમાં તેમણે મંદિરના પુનઃનિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે.

પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, 'ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ શરૂ થયું. 1947માં દિવાળી દરમિયાન સોમનાથની મુલાકાતે ગયેલા સરદાર પટેલ ત્યાંની સ્થિતિ જોઈ વ્યથિત થયા હતા અને તે જ ક્ષણે તેમણે મંદિરના પુનઃનિર્માણનો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમના આ સંકલ્પના પરિણામે 11 મે, 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.'