ગુજરાતમાં કોરોનાકાળમાં હિટ એન્ડ રનમાં 1,370 લોકોએ જીવ ગુમાવ્યો

September 23, 2022

ગુજરાતમાં વર્ષ 2018 અને 2019ની સરખામણીએ કોરોનાકાળના અરસામાં હિટ એન્ડ રનની ઘટના વધવાની સાથે મોતના કિસ્સા વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનની 5,730 ઘટના બની હતી, જેમાં 3,886 લોકોનાં મોત થયા છે જ્યારે 3,143 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2018માં 1274 લોકોના મોત થયા હતા,

એ પછી 2019માં મોતનો આંકડો ઘટીને 1242 થયો હતો, જોકે વર્ષ 2020ના કોરોનાકાળમાં 1370 વ્યક્તિનાં મોત થયા હતા. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહ વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ગુજરાતમાં વર્ષ 2019ના અરસામાં 2091, 2019માં 1796 અને 2020માં 1843 હિટ એન્ડ રનની ઘટના બની હતી,

વર્ષ 2018માં 1257, 2019માં 1051 અને 2020માં 835 વ્યક્તિ ઘાયલ થયા હતા. રાજ્યના ગૃહ વિભાગના કહેવા પ્રમાણે અત્યારે હિટ એન્ડ રન કેસના 4,383 આરોપીને પકડવાના બાકી છે. હિટ એન્ડ રનનો ગુનો બન્યો હોય તે સમયે હાજર હોય તેવા સાક્ષીઓના નિવેદનો લઈ આવા ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યવાહી થતી હોય છે.