વરસાદના કારણે રાજ્યમાં 180 રોડ બંધ, 2 નેશનલ હાઈવે પણ સામેલ

September 18, 2023

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં 180 રોડ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 2 નેશનલ હાઈવે તથા 15 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 144 પંચાયત હસ્તકના રોડ બંધ થયા છે. ત્યારે રાજ્યમાં અન્ય 19 માર્ગો બંધ થયા છે.

ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલ સેવા બંધ કરાઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરાયા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદાનાં પાણીએ ભરૂચમાં તારાજી સર્જવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે.