ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ

May 06, 2025

સુરત- જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. 


સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ. કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી.


સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઓફિસની લાઈટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઈડલાઈન મુજબ આ મોક ડ્રીલમાં હોસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઈન કે જેતે બાબત હોસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે. 


ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે.