દેશમાં કોરોનાના 358 નવા કેસ, એક્ટિવ કેસ 6000ને પાર, અત્યાર સુધી 65 મોત

June 09, 2025

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 358 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિક કેસોની સંખ્યા 6,000ને પાર પહોંચી ગઈ છે. સોમવારે (9 જૂન) સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ કેરળમાં કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કેસો નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિસ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

છેલ્લા 24 કલાકના ડેટાની વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતમાં 158, ત્યારબાદ કર્ણાટકમાં 57, પશ્ચિમ બંગાળમાં 54, દિલ્હીમાં 42, તમિલનાડુમાં 25, મહારાષ્ટ્રમાં 12, સિક્કિમમાં 8, કેરળમાં 7, ઉત્તર પ્રદેશમાં 6, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પુડુચેરીમાં ચાર-ચાર, ઉત્તરાખંડમાં 3, આસામ, હરિયાણામાં બે-બે, જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણામાં એક-એક કેસ નોંધાયા છે. ડેટા મુજબ છત્તીસગઢ, પંજાબ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ અને મિઝોરમમાં એક પણ કેસ નોંધાયા નથી.