સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલરનું રાજીનામું

July 04, 2025

ભાજપના શાસનમાં ભાજપના જ નગરસેવકો લાચાર

ભાવનગર- ભાવનગરની સિહોર નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ આંતરિક વિખવાદનો વિવાદ થંભવાનું નામ જ લેતું નથી. ભાજપના જ શાસનમાં ભાજપના જ નગસેવકો પોતાના વોર્ડમાં કામ કરાવવા લાચાર બન્યા છે. આ તમામ પ્રશ્નોથી કંટાળેલા મહિલા નગરસેવિકાએ સભાસદ પદેથી રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.


સિહોરના વોર્ડ નં.5ના નગરસેવિકા ઈન્દુબેન એમ. સોલંકીએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને સિહોર ચીફ ઓફિસરને વોર્ડ નં.પના સભાસદ પદેથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે એવો બળાપો ઠાલવ્યો હતો કે, મરા મતવિસ્તારમાં આઠ-આઠ દિવસ થવા છતાં ડોર-ટુ-ડોર કચરાની ગાડી આવતી નથી. સફાઈ કામદારો પણ સફાઈ કરવા ડોકાતા નથી. ગટર ઉભરાવવાની અને પાણીની સમસ્યા કાયમી છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં એકપણ પ્રશ્નનો હલ થતો નથી.'


સણસણતા આરોપ લગાવતા ઈન્દુબેન એમ. સોલંકીએ કહ્યું હતુ કે, 'લગાવ્યો વધુમાં તેમના વિસ્તારમાં કોઈપણ જાતની ગ્રાંટના કામ શરૂ થયા નથી. ગટર લાઈન પ્રોજેક્ટનો સવાલો ઊઠાવ્યો ન હોવા છતાં મારા નામે ઉપરી કક્ષાએ ખોટી રજૂઆત કરી બદનામ અને અપમાનિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા વોર્ડ-1 ના મહિલા નગરસેવિકાએ પણ રાજીનામું આપવા તૈયારી દર્શાવી હતી. પરંતુ સંગઠનના મનામણાં બાદ રાજીનામું આપવાનું મુલતવી રાખ્યું હતું.