યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

July 05, 2025

અમરનાથ યાત્રા 2025 શરૂ થઈ ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ, 2025 સુધી ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 20,000 થી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ છે.

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુ નિવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી સિંહાએ કહ્યું, "અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા છે." કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, "દેશના વિવિધ ખૂણાઓથી બાબાના ભક્તો અહીં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB) એ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારો કર્યો છે.'