આર્જેન્ટિનામાં PM મોદી અને રાષ્ટ્રપતિ મિલેઇ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત

July 05, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોથી બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને આર્જેન્ટિનાની રાજધાની પહોંચ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલ જાજમ બિછાવવામાં આવ્યું હતું, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. 1968માં ઇન્દિરા ગાંધી પછી, 57 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી આર્જેન્ટિના પહોંચ્યા છે.

આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. તેઓ આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને આર્જેન્ટિના ટોચના છ વેપારી ભાગીદારોમાં સામેલ છે. બંને દેશો વચ્ચે 5.2 અબજ યુએસ ડોલરનો વેપાર છે. આ મુલાકાતમાં ઊર્જા, વેપાર, સંરક્ષણ, આરોગ્ય, ફાર્મા, આઇટી, કૃષિ, ખાદ્ય પ્રક્રિયા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ભારતીય રાજદૂત અજનીશ કુમારે PMની આ મુલાકાતને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો છે, કારણ કે છેલ્લા પાંચ દાયકામાં આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પ્રવાસ પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના પ્રવાસનો ત્રીજો તબક્કો છે. અગાઉ, તેઓ ઘાના અને ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પછી, તેઓ બ્રાઝિલમાં 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને છેલ્લા તબક્કામાં નામિબિયાની મુલાકાત લેશે.