ચિકાગોની નાઇટ ક્લબની બહાર બેફામ ગોળીબાર : 3નાં મોત, 16 ઇજાગ્રસ્ત

July 04, 2025

ચિકાગો : ચિકાગોની એક નાઈટ કલબની બહાર અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં ૩ના મોત થયા હતા અને ૧૬ને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે.

આ માહિતી આપતાં એસોસિએટેડ પ્રેસ પોલીસને ટાંકતા જણાવે છે કે, રેપ્પર (પોપ-મ્યુઝિક સિંગર) મેલો બકઝના આલ્બમના વિમોચન સમયે આ નાઈટ-કલબમાં ઘણા લોકો એકત્રિત થયા હતા. આ આલ્બમ રીલીઝ થયું પછી નિયમાનુસાર ખાણી-પીણી પણ થઈ. આ આનંદ-પ્રમોદ પૂરો થવા આવ્યો અને કેટલાક ઘર તરફ રવાના થવા તૈયાર થયા ત્યાં જ બહાર કાર પાર્કિંગમાં અંધાધૂંધ ગોળીબાર થતાં ત્રણના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં, જયારે અન્ય ૧૬ જેટલાને ઇજાઓ થઈ હતી જે પૈકી કેટલાક ગંભીર છે.

આ સમયે કાર ચલાવી પાર્કિંગ પ્લોટની બહાર જઈ રહેલી એક વ્યકિતએ પોતાના મોબાઈલ ઉપર આ ઘટનાક્રમની ફિલ્મ ઉતારી લીધી હતી. જેમાં બંદૂકના અવાજો પણ સંભળાતા હતા. સદ્ભાગ્યે તે કાર આ ગોળીબારવાળા વિસ્તારથી દૂર હતી અને તે બહાર જઈ રહી હતી.

ગોળીબાર કરનાર શખ્સ ઓળખી શકાયો નથી. તેમ જ હજી તે પકડી પણ શકાયો નથી.

આ પૂર્વે આ સ્થળ પાસે ભારે ભોજન સમારંભ - હશ-લાઉન્જ નામક નાઈટ કલબમાં ચાલતો હતો ત્યારે પણ ગોળીબારી થઈ હતી. જેમાં એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. આ સ્થળે જ પછીથી આર્ટિસ-લાઉન્જ નામક આ નાઈટ કલબ શરૂ થઈ હતી.

યુ.એસ.ના ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, ૨૦૨૩માં જ આશરે ૪૭,૦૦૦ જેટલાનાં મૃત્યુ આવા ગોળીબારોમાં થયા હતા. નિરીક્ષકો કહે છે, અમેરિકામાં ગન કલ્ચર કાબુમાં આવે તે શક્ય લાગતું નથી.