Breaking News :

GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી

July 02, 2025

કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે. સરકાર રેટમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. જેથી ઘણી પ્રોડક્ટ્સ સસ્તી થવાની સંભાવના વધી છે. જે મધ્યમ અને ગરીબ વર્ગના ખિસ્સા પર બોજો ઘટાડશે. નાણા મંત્રાલય 12 ટકાનો જીએસટી સ્લેબ દૂર કરવા વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.  જીએસટી કાઉન્સિલની આગામી યોજાનારી બેઠકમાં જીએસટીનો 12 ટકાનો સ્લેબ દૂર કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. હાલ ચર્ચા થઈ રહી છે કે, 12 ટકાનો સ્લેબ રાખવો કે, પછી તેમાં સામેલ મોટાભાગની પ્રોડક્ટ્સને 5 ટકાના સ્લેબમાં સામેલ કરવી. સામાન્ય લોકોની રોજિંદા જીવન જરૂરિયાતોની મોટાભાગની ચીજવસ્તુઓ આ સ્લેબમાં સામેલ છે. આ મહિને યોજાનારી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવા અહેવાલો મળ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સફળતાને ગઈકાલે જ આઠ વર્ષ પૂરા થયા. છેલ્લા આઠ વર્ષમાં કેન્દ્ર સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે. નિષ્ણાતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં જીએસટી મારફત સરકારને દરમહિને સરેરાશ 2 લાખ રૂપિયાથી વધુ કમાણી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ સુમેળ અને અનુકૂળ ટેક્સ સિસ્ટમ બનાવવા માટે જીએસટીમાં સતત ફેરફારો અને સુધારો કરી રહ્યું છે. હાલ તે 12 ટકાનો સ્લેબ દૂર કરવા પર વિચારી રહ્યું છે. તેમાં સામેલ પ્રોડક્ટ્સને 5 ટકાના સ્લેબમાં સામેલ કરવાની તૈયારી થઈ રહી છે. જેથી જૂતાં-ચપ્પલ, અમુક કપડાં અને ડેરી પ્રોડ્કટ્સ જેવી અનેક પ્રોડક્ટ્સ સસ્તી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ કાર, તમાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી ચીજોને જીએસટી રેટમાં સામેલ કરવા માગે છે. જેના પર ચર્ચાઓ અને ભલામણો પણ થઈ રહી છે. હાલ આ પ્રોડ્કટ્સ પર એક્સ્ટ્રા સેસ લાગે છે. જો તેના પર જીએસટી લાગુ કરવામાં આવે તો તેની કિંમતો વધશે. કેન્દ્ર સરકાર હાલ પાંચ કેટેગરીમાં જીએસટી વસૂલી રહી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ પર 0 ટકા, મૂળભૂત જરૂરિયાતો પર 5 ટકા, ભૌતિક ચીજવસ્તુઓ માટે 12 ટકા, અને મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર 18 ટકા જીએસટી લાગુ છે. આ સિવાય લકઝરી પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેક્સ વસૂલે છે.