Breaking News :

અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો

July 02, 2025

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે.  કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ ગયો છે. યાત્રી નિવાસ ભગવતી નગર, જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલાં સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા છે.  જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે 'તાવી આરતી'માં ભાગ લીધો હતો, તેમણે મંગળવારે કહ્યું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.' LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે. બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી 3 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં 8 ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.