Breaking News :

બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

July 03, 2025

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. જ્યારે પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે. 

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બુધવારે (2 જુલાઇ) મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થયા હતા અને બનાસકાંઠાને જળબંબકાર કરી દીધું હતું. ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

જ્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે. 

વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.