Breaking News :

દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ, રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ

July 02, 2025

દહેગામ તાલુકાના ઝાંક ગામમાં આવેલી જે.એમ. દેસાઈ વિદ્યામંદિરના બાળકોમાં આંખમાં ખંજવાળ, લાલાશ, બળતરા અને ડબલ વિઝન જેવી તકલીફો જોવા મળતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કુલ 225 બાળકોમાંથી 122 બાળકો આ તકલીફોથી પ્રભાવિત થયા હતા.જેમને ગાંધીનગર સિવિલમાં રાત્રે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ મંગળવારે સવારે તમામનું સ્ક્રીનિંગ કર્યા બાદ તે પૈકી 120 બાળકોને રજા આપી દેવામાં આવી છે. જ્યારે બે બાળકોને પણ હજુ આડ અસર છે. ઝાંકમાંથી આ ઘટના સામે આવ્યા બાદ, જિલ્લા કક્ષાની ટીમ અને કડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે તાત્કાલિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ અને સારવાર સ્થળ પર જ આપવામાં આવી હતી. ત્યારબાદ, 122 બાળકોને વધુ તપાસ અને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તમામ બાળકોની તબિયત હાલ સુધારા પર છે. તેમાંથી 120 બાળકોને રજા આપી દેવામાં આવી છે, જ્યારે બે  બાળકોને વધુ સારવાર માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સોમવારે રાત્રે તબક્કાવાર ગાંધીનગર સિવિલમાં તમામ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અહીં તબીબી સેવા ઉપરાંત સિવિલ તંત્ર દ્વારા આ બાળકોને ભોજન અને સવાર-બપોર ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સિવિલમાં લેવામાં આવેલા બ્લડની તપાસ સિવિલમાં કરવામાં આવતા આ તમામ બાળદર્દીઓને રોગચાળા અંતર્ગત કિડની તથા લીવરમાં કોઇ આડઅસર થઇ નથી તેવું રિપોર્ટ ઉપરથી સાબિત થાય છે. ઝાંકની સ્કૂલના 122 જેટલા વિદ્યાર્થીઓને આ વિચિત્ર વિઝન રોગચાળાની આડ અસર થઇ હતી. જેના પગલે ગઇકાલે આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં તેમને સારવાર આપવામાં આવી હતી તથા લોહી-યુરીન સહિતના વિવિધ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તો બીજીબાજુ આરોગ્ય તંત્ર દ્વારા પણ સ્કૂલ તથા છાત્રાલયમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડતંત્ર દ્વારા સોમવારે મોડી રાત્રે ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે. અલગ અલગ તંત્ર દ્વારા ફક્ત સેમ્પલ લઇને તેને લેબોરેટરીમાં મોકલી આ પરિક્ષણના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કોઇ પણ તંત્ર સ્પષ્ટ રીતે આ રોગચાળો કઇ રીતે ફેલાયો છે અને તે ફેલાવા પાછળ કયું તત્ત્વ જવાબદાર છે તે અંગે કહીં કહી શક્તુ નથી. વિદ્યાર્થીને આડ અસર થયે 24 કલાકથી વધુનો સમય થઇ ગયો છતા તંત્ર પાસે આ રોગચાળાનું સાચુ કારણ નથી જે વહિવટી તંત્રની નિષ્ફળતા સૂચવે છે.