Breaking News :

દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત

July 02, 2025

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ૧૫ વર્ષ જુના પેટ્રોલ અને ૧૦ વર્ષ જુના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ થતા જ પોલીસ હવે આવા તમામ જુના વાહનોને જપ્ત કરવા લાગી છે. મંગળવારે દિલ્હી પોલીસે આવી બે બાઇક જપ્ત કરી લીધી હતી જે હવે સ્ક્રેપમાં મોકલવામાં આવશે. અચાનક જ લોકોના વાહનો જપ્ત થવા લાગ્યા હોવાથી લોકોમાં એક પ્રકારની અકળામણ પણ જોવા મળી રહી છે. ટ્રાફિક ઇન્સ્પેક્ટર અશોક કુમારે કહ્યું હતું કે નિયમો મુજબના જુના વાહનોના ચેકિંગ દરમિયાન બે બાઇક જપ્ત કરવામાં આવી છે. જેને હવે સ્ક્રેપરને સોંપવામાં આવશે. જે બાદ વાહનના માલિકને સ્ક્રેપની જે વેલ્યૂ આવશે તે રકમ સોંપવામાં આવશે. એટલે કે જપ્ત કરાયેલી આ બાઇકોને ભંગારના ભાવે વેચવામાં આવશે અને તે રકમ તેના માલિકને આપવામાં આવશે. દિલ્હીમાં મંગળવારથી એન્ડ ઓફ લાઇફ વેહિકલ (ઇઓએલ)  નીતિનો અમલ કરી દેવામાં આવ્યો છે. ૧૫ વર્ષ જુના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષ જુના ડીઝલ વાહનોને ના તો રોડ પર ચલાવવાની મંજૂરી અપાશે ના તો તેમને ઇંધણ આપવાની મંજૂરી મળશે.  નિયમો મુજબ જો આવા જુના વાહનો સાથે પકડાયા તો ફોર વ્હીલર્સના માલિકને ૧૦ હજાર રૂપિયા જ્યારે ટુ વ્હીલર્સના માલિકને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પોલીસ અને પરિવહન વિભાગ સીધા પેટ્રોલ પંપો પર જ આવા વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધુ છે. મંગળવારે આશરે  ૩૫૦ જેટલા પેટ્રોલ પંપો પર ચેકિંગ કર્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસે ૧૦૦ પંપો જ્યારે પરિવહન વિભાગે ૫૯ પંપો પર ચેકિંગ કર્યું હતું. એવા પણ પેટ્રોલ પંપોને કેટેગરીમાં મુક્યા છે કે જેઓ અત્યંત સંવેદનશીલ હોય જેની સંખ્યા ૯૦થી પણ વધુ છે. આ નીતિનો અમલ થતા જ દિલ્હીમાં આવા જુના વાહનોનું વેચાણ પણ વધી ગયું છે. વાહન માલિકો જુના વાહનો અન્ય રાજ્યોમાં વેચવા લાગ્યા છે. જ્યારે દંડથી બચવા માટે ભંગારમાં વેચવા લાગ્યા છે.