Breaking News :

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું

July 02, 2025

નવી દિલ્હી : એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ૧૭૧ના અમદાવાદમાં અકસ્માતને હજુ મહિનો પણ નથી થયો ત્યાં એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર છેક હવે સામે આવી રહ્યા છે. એર ઈન્ડિયાની દિલ્હીથી વિયેના જઈ રહેલી ફ્લાઈટ એઆઈ-૧૮૭એ ટેકઓફ કર્યા પછી તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે વિમાન લગભગ ૯૦૦ ફૂટ નીચે ઉતરી ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ અકસ્માત સર્જાયો નહીં અને બધા જ પ્રવાસી તથા ક્રૂનો ચમત્કારિક બચાવ થયો હતો. અમદાવાદમાં ૧૨ જૂને એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયાના બે જ દિવસ પછી વિયેના જતી ફ્લાઈટ એઆઈ-૧૮૭ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૧૪ જૂને વહેલી સવારે ૨.૫૬ કલાકે રવાના થઈ હતી. એર ઈન્ડિયાના બોઈંગ ૭૭૭ વિમાને ટેકઓફ કર્યાની થોડીક જ મિનિટોમાં અચાનક અત્યંત જોખમી રીતે ૯૦૦ ફૂટ નીચે આવી ગયું હતું. પાયલટને કોકપીટની અંદર 'સ્ટોલ વોર્નિંગ' અને 'ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ'ની 'ડોન્ટ સિંક' વોર્નિંગ મળવા લાગી હતી, જેને પગલે ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. જોકે, પાયલટે સ્થિતિ પર તુરંત નિયંત્રણ મેળવ્યું હતું અને વિમાનને યોગ્ય ઉંચાઈ પર લાવીને ઉડ્ડયન ચાલુ રાખ્યું હતું. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નહીં અને વિમાને ૯ કલાક ૮ મિનિટના ઉડ્ડયન બાદ વિયેનામાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. થોડા સમય પછી વિયેનામાં બીજા ક્રૂ આવ્યા હતા અને આ જ ફ્લાઈટને લઈને ટોરોન્ટો રવાના થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં મહત્વની બાબત એ હતી કે પાયલટે તેના રિપોર્ટમાં માત્ર ટેક-ઓફ પછી ટર્બ્યુલન્સના કારણે સ્ટિક શેકર એક્ટિવ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ અમદાવાદમાં થયેલી દુર્ઘટનાના પગલે ડીજીસીએએ અકસ્માતની ગંભીરતાને જોતા ફ્લાઈટ ડેટા રેકોર્ડરની તપાસ કરતા 'જીપીડબલ્યુએસ ડોન્ટ સિંક' અને 'સ્ટોલ વોર્નિંગ' જેવી ગંભીર ચેતવણીઓ પણ અપાઈ હોવાનું  જણાયું હતું. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, પાયલટનો રિપોર્ટ મળ્યા પછી નિયમો મુજબ વિમાનના રેકોર્ડરમાંથી ડેટા પ્રાપ્ત કરાયો હતો અને આગળની તપાસ આવે ત્યાં સુધી ફ્લાઈટના બંને પાયલટોને ફરજ પરથી હટાવાયા હતા. દરમિયાન પ્રયાગરાજથી બેંગ્લુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૬૦૩૬નું ઉડ્ડયન ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામીના કારણે રદ કરી દેવાયું હતું. પ્રવાસીઓના જણાવ્યા મુજબ બોર્ડિંગ થયા પછી વિમાનમાં પેટ્રોલ જેવી ગંધ આવતા ફ્લાઈટને તુરંત અટકાવી દેવાઈ હતી. એક પ્રવાસીએ કહ્યું કે વિમાનમાં બેઠા પછી ફ્લાઈટે ઘણા સમય સુધી ટેકઓફ કર્યું નહોતું. પ્રવાસીઓને જણાવાયું હતું કે સુરક્ષા તપાસ ચાલી રહી છે. કેટલાક પ્રવાસીઓએ કેબિનમાં ઈંધણ જેવી ગંધની ફરિયાદ કરી હતી. આ સમયે પાયલટે ફ્લાઈટ ટેકનિકલ કારણોસર રદ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.