ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

July 03, 2025

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ રાજ્યના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (3 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (4 જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

5 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.