યુદ્ધ બાદ શાબ્દિકયુદ્ધ... ટ્રમ્પના ખામેનેઈ પર પ્રહાર, કહ્યું- ‘હવે તમે નરકમાં પહોંચી ગયા છો’

July 04, 2025

ઈરાન અને તેમના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈએ તાજેતરમાં જ ઈરાન અને અમેરિકાના મિસાઈલ, ડ્રોન અને બોંબ હુમલાનો સામનો કર્યો હતો અને હવે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાબ્દિ યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે ખામેનેઈ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, 12 દિવસમાં ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, ‘તમે (ખામેનેઈ) એક ધાર્મિક અને દેશમાં સન્માનિત વ્યક્તિ છો, તમારે સાચુ બોલવું પડશે. હવે તમે નરકમાં પહોંચી ગયા છે.’ વાસ્તવમાં ટ્રમ્પના આ નિવેદન પહેલા ખામેનેઈએ અમેરિકન એરબેઝ પર હુમલો કરવાની વાત કહી હતી. યુદ્ધવિરામ બાદ ખામેનેઈએ કહ્યું હતું કે, ‘યુદ્ધમાં ઈરાનની જીત થઈ છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલના જડબાતોડ જવાબ આપ્યો છે.’

ટ્રમ્પે યુદ્ધની રણનીતિ અંગે પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલે યુદ્ધની શરૂઆતમાં ખામેનેઈને મારી નાખવાની યોજના બનાવી હતી, પરંતુ મેં તેમની યોજનાને વીટો કરી દીધી. હું જાણતો હતો કે, ખામેનેઈ ક્યાં છુપાઈ ગયા હતા. મેં તેમને મરવા ન દીધા. મેં તેમને ભયાનક અને અપમાજનક મોતથી બચાવ્યા. તેમણે મારો આભાર માનવો જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ ઈસ્ફહાન, નંતાજ અને ફોર્ડો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓને ભારે નુકસાન થયું હતું. જોકે અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં પરમાણુ કેન્દ્રો પર સામાન્ય નુકસાન થયું હોવાની વાત કહેવાઈ હતી. બીજીતરફ સીઆઈએએ દાવો કર્યો છે કે, ઈરાનને ઘણું નુકસાન થયું છે.