દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ભડક્યું ચીન, સાવચેતી રાખવા ચેતવણી

July 04, 2025

મુંબઈ: દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ચીન ભડક્યું છે. ચીને ભારતથી તિબ્બત સાથે જોડાયેલા મુદ્દા પર સાવધાનીથી કામ કરવા કહ્યું છે. આમ કરવાથી બંને પક્ષે સુધારો થાય છે. ચીને શુક્રવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુની એ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો કે, દલાઈ લામાએ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલવું જોઈએ.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે રિજિજુની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'ભારતે 14મા દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી સ્વભાવથી દૂર રહેવું જોઈએ અને શિઝાંગ (તિબ્બત) સંબંધિત મુદ્દાઓ પર પોતાની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ.' ચીન તિબ્બતને શિઝાંગ કહે છે. માઓએ કહ્યું કે, 'ભારતે પોતાના શબ્દો અને કાર્યોમાં સાવધાની રાખવી જોઈએ. શિઝાંગ સંબંધિત મુદ્દાઓ પર ચીનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ અને ચીન-ભારત સંબંધોમાં સુધારો અને વિકાસને અસર કરતી કોઈપણ કાર્યવાહી ટાળવી જોઈએ.'
રિજિજુએ ગુરુવારે કહ્યું હતું કે, 'આગામી દલાઈ લામા પર નિર્ણય ફક્ત સ્થાપિત સંસ્થા અને દલાઈ લામા જ લેશે. આ નિર્ણયમાં કોઈપણ સામેલ નહીં થાય.' બુધવારે તિબ્બતી આધ્યાત્મિક નેતાએ કહ્યું હતું કે, 'દલાઈ લામાની સંસ્થા યથાવત્ રહેશે અને માત્ર ગાડેન ફોડરંગ ટ્રસ્ટ જેની સ્થાપના વર્ષ 2015માં તેમના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. જેને આગામી દલાઈ લામાને માન્યતા આપવાનો અધિકાર હશે.'
રિજિજુની આ ટિપ્પણી ચીન દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની ઉત્તરાધિકાર યોજનાને નકારી કાઢ્યા બાદ આવી છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સંભવિત ઉત્તરાધિકારીને તેની મંજૂરીની મહોર મળવી જોઈએ. રિજિજુ જે બૌદ્ધ ધર્મના અનુયાયી છે, અને તેમના સાથી કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ 6 જુલાઈએ ધર્મશાળામાં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણીમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે, 'જન્મદિવસની ઉજવણી એક ધાર્મિક ઘટના છે અને તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.'
માઓએ ચીનના વલણને લઈને જણાવ્યું કે, દલાઈ લામા અને તિબ્બતી બૌદ્ધ ધર્મના પંચેન લામાના ઉત્તરાધિકારીએ કડક ધાર્મિક વિધિઓ અને ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરવું જોઈએ, જેમાં ઘરેલું શોધ, 'સોનેરી કળશ'માંથી લોટરી કાઢવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે.