ઇન્ડોનેશિયામાં 5.6નો ભૂકંપ :અત્યાર સુધીમાં 162નાં મોત

November 22, 2022

ઈન્ડોનેશિયાના જાવામાં વહેલી સવારે આવેલા 5.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં 162થી વધુનાં મોત થયા છે જ્યારે 700થી વધારે લોકોને ઈજા થઈ છે. જાવા અને આસપાસના ટાપુની ધરતી ધ્રૂજી ઊઠતા અનેક મકાનો પત્તાના મહેલની માફક તૂટી પડયાં હતાં. હજારો લોકો તેમનો જીવ બચાવવા ગભરાટના માર્યા ઘરની બહાર આવી ગયા હતા.

રાહત અને બચાવ ટુકડીઓ દ્વારા આસપાસનાં ગામડાઓમાં કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. તકેદારીના ભાગરૂપે અનેક મકાનોને ખાલી કરાવાયાં હતાં. જાવામાં મોટાપાયે નુકસાન થયું હતું. જો કે જાકાર્તામાં જાનહાનિના કે નુકસાનના કોઈ અહેવાલ નથી.