ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો મામલો

December 26, 2025

ટોરોન્ટોમાં 25 ડિસેમ્બર, ગુરુવારના રોજ થયેલા ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું સ્થળ પર જ મોત થયું હતું.  જેને લઈને ભારતીય કોન્સ્યુલેટે શોક વ્યક્ત કર્યો છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા વધી છે. આ ગોળીબારની ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક બની હતી.

ટોરોન્ટોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે આ દુઃખદ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું હતું કે, “ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક થયેલા ગોળીબારમાં યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુઃખદ અવસાનથી અમે અત્યંત શોકગ્રસ્ત છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.”