રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો

January 11, 2026

વન વિભાગે અડધા કલાકમાં નરભક્ષીને પાંજરે પૂર્યો
નંદુરબાર- મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની 45 વર્ષીય નારસિંગ પાટીલ અન્ય શ્રમિકો સાથે રસુલપરાના ખેડૂત ભીખા કથીરિયાના ખેતરમાં શેરડી કાપણીના કામ માટે આવ્યા હતા. રવિવારે વહેલી સવારે નારસિંગ જ્યારે શૌચક્રિયા માટે ખેતર નજીક ગયા હતા, ત્યારે શેરડીના પાકમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. દીપડો શ્રમિકને ગળાના ભાગેથી પકડીને શેરડીના ઊભા પાકમાં ઢસડી ગયો હતો. સાથી શ્રમિકોએ બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે નારસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ તાલાલા રેન્જના RFO ડી.વી. વઘાસિયા, વનપાલ વાળાભાઈ અને લેબર ટ્રેકર ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગને સ્થળ પર જ દીપડાની હાજરી જણાતા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની સતર્કતાને કારણે માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ હુમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો.