કાબુલમાં જુમ્માની નમાઝ બાદ મસ્જિદની નજીક મોટો વિસ્ફોટ, 4ના મોત, 10 ઘાયલ

September 23, 2022

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારના રોજ વજીર મુહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની નજીકના વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 4 લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને 10 લોકો ઘાયલ થયા છે.  વિસ્ફોટના કારણે ચારે તરફ ધુમાડો અને ધૂળ છવાઈ ગઈ હતી. થોડી ક્ષણો માટે લોકોને એ સમઝાતું નહોતું કે આ વિસ્ફોટ કઈ તરફ થયો છે. જે સમયે લોકો નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો. 


કાબુલ પોલીસના મુખ્ય પ્રવકત્તા ખાલિદ ઝદરાને કહ્યું હતું કે, આ વિસ્ફોટમાં કેટલાક લોકોની મૃત્યુ થઈ છે અને અનેક લોકો ઘાયલ છે. આ બાજુ ગૃહમંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યુ હતું કે, આ વિસ્ફોટ મસ્જિદ પાસેના મુખ્ય માર્ગ ઉપર થયો હતો. વિસ્ફોટ પાછળના કારણોની તપાસ થઈ રહી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.