અમેરિકા-યુરોપમાં બરફનું તોફાન, 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, બ્રિટનમાં 40 સે.મી. હિમવર્ષા

January 06, 2025

ઉત્તર ભારત જ નહીં હાલ સમગ્ર દુનિયાના અનેક વિસ્તારો હાડ થીજાવતી ઠંડીમાં જકડાયા છે. યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટકવાઈ ગયા હતા. અમેરિકામાં પણ બરફના તોફાને કરોડો લોકોને ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા છે. વધુમાં તોફાનના કારણે વીજપૂરવઠો ખોરવાતા લોકોએ અંધરાપટમાં રહેવું પડશે. શનિવારથી શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી અમેરિકાને ઘમરોળશે. બરફના તોફાનના કારણે પશ્ચિમ અમેરિકામાં 2000 જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ છે. બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેન્ટીમીટર જેટલો બરફ જામી જતા ગ્રામીણ વિસ્તારો અળગા પડી ગયા હતા અને વ્યાપક પ્રમાણમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. નેશનલ ગ્રિડએ બર્મિંગહેમ, બ્રિસ્ટલ અને કાર્ડિફ જેવા વિસ્તારોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરવા અથાક પ્રયાસો કર્યા હતા. લગભગ તમામ રમતગમતના કાર્યક્રમો રદ કરાયા હતા, જો કે લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની પ્રીમિયર લીગ મેચ અંતિમ નિરીક્ષણની રાહ જોઈ રહી છે. બ્રિટનમાં ભારે હિમવર્ષાથી અનેક એરપોર્ટને અસર થઈ હતી. લિવરપૂલના જોન લેનન એરપોર્ટ અને માનચેસ્ટર એરપોર્ટના રનવે હંગામી રીતે બંધ કરી દેવાયા હતા. લીડ્સ બ્રેડફોર્ડ એરપોર્ટનું સંચાલન પણ સ્થગિત કરી દેવાયું હતું. સાવચેતી ખાતર બંધને કારણે માર્ગ પરિવહનમાં વિક્ષેપ સર્જાયો હતો અને ખાસ કરીને પરિવારો તેમજ વિદ્યાર્થીઓ રજાની છૂટ્ટીમાંથી પાછા ફરતા હોવાથી અનેક ઠેકાણે અટકી પડેલા વાહનોને કારણે અફરાતફરી મચી ગઈ હતી.