બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

October 02, 2024

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ દિવસ છે. ત્યારે આ અવસર પર આ મહાન દિગ્ગજોને રાજકીય નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, સીએમ યોગી સહિત રાજકીય દિગ્ગજોએ દિલ્હીમાં વિજય ઘાટ અને રાજઘાટ પર જઇને આ બંને નેતાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ત્યારે આ પ્રસંગે પીએમ મોદી પોતાના યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બન્યા હતા.

પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના આજે 10 વર્ષ પૂર્ણ થતા સફાઇ પર હાથ અજમાવ્યો હતો. તેઓએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે આજે ગાંધી જયંતિ પર, મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બન્યો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ 'સ્વચ્છ ભારત'ની ભાવનાને વધુ મજબૂત કરશે.

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે. આ અવસર પર પીએમ મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા. અનેક દિગ્ગજોએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ લાલ બહાદુર શાસ્ત્રી અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.