તમાચણ ગામે બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકીનું મોત, રેસ્ક્યૂ ઓપરેશન સફળ ન થયું

June 04, 2023

જામનગર- તમાચણ ગામેથી એક દુઃખદ સમાચાર આવ્યા. અઢી વર્ષની બાળકી રોશની જે રમતાં રમતાં ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવામાં સફળતા ન મળી અને આખરે તે મૃત્યુ પામી ગઈ. તેને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રોશની નામની બાળકી બોરવેલમાં  20 ફૂટ નીચે ફસાઈ હતી. 


માહિતી અનુસાર જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ હતી. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરબ્રિગેડની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. 


આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડિયને મીડિયાને જણાવ્યું હતું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.