10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ!

January 07, 2026

હરિયાણામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે ફરી એકવાર દીકરાનો મોહ અને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત સવાલોને ચર્ચામાં લાવ્યા છે. જિલ્લાના ઉચાના શહેરની એક હોસ્પિટલમાં 37 વર્ષીય મહિલાએ પોતાના 11મા બાળકને જન્મ આપ્યો. 10 દીકરીઓ બાદ આ પરિવારમાં દીકરાનો જન્મ થયો, જેનું નામ તેની બહેનોએ ખૂબ જ ઉત્સાહથી 'દિલખુશ' રાખ્યું છે. ફતેહાબાદ જિલ્લાના એક ગામના રહેવાસી સંજય કુમાર અને તેની પત્નીના લગ્ન 2007માં થયા હતા. છેલ્લા 19 વર્ષમાં તેમના ઘરે 10 દીકરીઓનો જન્મ થયો છે. જ્યારે તે 11મી વખત ગર્ભવતી થઈ ત્યારે મહિલાને જીંદની ઓજસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલના ડૉ. નરવીર શ્યોરાણે જણાવ્યું કે આ ખૂબ જ જોખમી કેસ હતો. 10 ડિલિવરી બાદ મહિલાનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું અને ડિલિવરી દરમિયાન તેને ત્રણ યુનિટ લોહી ચઢાવવું પડ્યું. જોકે, ડૉક્ટરની ટીમની મહેનત રંગ લાવી અને માતા-પુત્ર બંને હવે સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર આ પરિવારની સ્ટોરી ત્યારે વાઈરલ થઈ જ્યારે એક વીડિયોમાં પિતા સંજય કુમારને તેમની દીકરીઓના નામ પૂછવામાં આવ્યા. મહેનત-મજૂરી કરનારા સંજય પોતાની તમામ 10 દીકરીઓના એક સાથે નામ પણ યાદ ન કરી શક્યા. સંજયની મોટી દીકરી સરીના 12માં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે તેની સૌથી નાની દીકરી વૈશાલી હજુ ઘણી નાની છે. બીજી દીકરીઓ, અમૃતા, સુશીલા, કિરણ, દિવ્યા, મન્નત, કૃતિકા, અમનીષ અને લક્ષ્મી અલગ-અલગ ધોરણમાં અભ્યાસ કરી રહી છે. સંજય કુમાર મજૂરી કામ કરે છે, પરંતુ તેમનું કહેવું છે કે, 'મેં ક્યારેય મારી દીકરીઓને બોજ નથી સમજી. અમને એક દીકરો જોઈતો હતો, અને મારી મોટી દીકરીઓની પણ ઈચ્છા હતી કે, તેમને એક ભાઈ હોય. ભગવાનની મરજી છે કે 10 દીકરીઓ પછી હવે અમને એક દીકરો થયો. મારી આવક મર્યાદિત છે, પરંતુ હું મારી બધી દીકરીઓને સારું શિક્ષણ આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.' આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે હરિયાણા પોતાના લિંગ ગુણોત્તરને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2025ના ડેટા પ્રમાણે હરિયાણામાં દર 1,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા સુધરીને 923 થઈ ગઈ છે, પરંતુ તે હજુ પણ રાષ્ટ્રીય એવરેજથી ઘણી પાછળ છે.