અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા

June 06, 2023

અમદાવાદઃ અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થાય છે. અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા ગુજરાતના દરિયા કાંઠાને ભારે નુકસાની લાવે છે. આવામાં ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે.  હવામાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવ્યું છે. જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આ હવાનું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. 

હવામાન વિભાગે આપેલી માગિતી પ્રમાણે 5 જૂને, સાંજે 5.30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર હળવું દબાણ ઉભું થયું છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના પૂર્વ મધ્ય સમુદ્ર તરફ ન જવાની સલાહ આપી છે.