જામીન બાદ પણ ખતમ ન થઈ એલ્વિશ યાદવની મુશ્કેલી, હવે આ કેસમાં ફસાયો

March 23, 2024

જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવને લઈને નવી અપડેટ સામે આવી છે. સાપ અને સાપના ઝેરની ખરીદી- વેચાણ મામલે સંડોવાયેલા એલ્વિશને 22 માર્ચ, શુક્રવારના રોજ સાંજે જામીન મળી ગયા હતા.  યુટ્યુબરની જમાનત પર NDPSની નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એલ્વિશને 50-50 હજાર રુપિયાના બે જામીન બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ એવું લાગે છે કે હજુ એલ્વિશ યાદવની મુસીબતો પૂરી થઈ નથી. એલ્વિશ યાદવ છેલ્લા 5 દિવસથી જેલમાં હતો. તેને જામીન મળ્યા ત્યારે તેના ચાહકો અને પરિવારજનોમાં જશ્નનો માહોલ હતો. જો કે, એલ્વિશને જામીન મળ્યા હોવા છતાં તે શુક્રવાર સાંજે ઘરે પરત જઈ શક્યો ન હતો. તેને વધુ એક રાત જેલમાં જ રોકાવું પડ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નોઈડા જેલ પ્રશાસન એલ્વિશને આજે શનિવારે ગુરુગ્રામ કોર્ટમાં રજુ કરવા લઈ ગઈ હતી.  માહિતી પ્રમાણે નોઈડા પોલીસ શનિવારે સવારે એલ્વિશ યાદવને ગુરુગ્રામ લઈ ગઈ હતી.  જ્યાં તેને ગુરુગ્રામમાં ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં જસ્ટિસ અક્ષય કુમાર સમક્ષ એલ્વિશ યાદવ હાજર કરવામાં આવ્યો હતો. આ સમયે ગુરુગ્રામ પોલીસ પણ કોર્ટમાં હાજર રહી હતી અને યુપી પોલીસે એલ્વિશ યાદવને ગુરુગ્રામ પોલીસને સોંપ્યો હતો.  હાલમાં ગુરુગ્રામ પોલીસ યુટ્યુબર સાગર ઠાકુર સાથે મારપીટના કેસમાં એલ્વિશ યાદવનું નિવેદન લઈ રહી છે. સાગર ઠાકુરની ફરિયાદના આધારે એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મારપીટના આ કેસમાં નિવેદન લીધા પછી ગુરુગ્રામ પોલીસ એલ્વિશને ફરીથી કોર્ટમાં રજૂ કરશે. ત્યાર બાદ ફરી એકવાર એલ્વિશને ગુરુગ્રામના ડ્યુટી મેજિસ્ટ્રેટ અક્ષય કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ છેલ્લા 5 દિવસથી ગ્રેટર નોઈડાની લક્સર જેલમાં બંધ હતો. ગુરુવારે વકીલોએ જામીન માટે અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને કલમોને પર્યાપ્ત માની નથી અને જામીન આપવાનો નિર્ણય કર્યો છે. એલ્વિસ યાદવને શુક્રવારે મોડી રાત્રે મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. બિગ બોસ OTT 2 જીત્યા બાદ એલ્વિશ હેડલાઇન્સમાં હતી. તેમની લોકપ્રિયતા પહેલા કરતા વધી ગઈ હતી. થોડા મહિના પહેલા એલ્વિશ તેના મિત્રો સાથે એક રેવ પાર્ટીમાં નજર આવ્યો હતો. આ પાર્ટીમાં તે પોતાના મિત્રો સાથે દુર્લભ સાપને ગળામાં નાખીને ડાન્સ-પાર્ટી એન્જોય કરતો નજર આવ્યો હતો. આ મામલે નોઈડા પોલીસે 2 નવેમ્બર 2023ના રોજ નોઈડાના સેક્ટર 51ના સેવરોન બેંક્વેટ હોલમાંથી  5 લોકોની ધરપકડ કરી હતી. કુલ 9 સાપ મળી આવ્યા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 બે મોઢાવાળા સાપ અને એક રેડ સ્નેક સામેલ હતા. પૂછપરછમાં તે વખતે આરોપીઓએ જણાવ્યું હતું કે, સાપના ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીમાં કરવામાં આવે છે. FIRમાં એલ્વિશ યાદવને આરોપી બનાવવામાં આવ્યો હતો. હવે એલ્વિશે એ વાત કબૂલી છે કે, તે પાર્ટીમાં સામેલ લોકો સાથે તે પહેલાથી સંપર્કમાં હતો.