ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમાડો ભાજપે કર્યો, આ પક્ષોએ ચોંકાવ્યા, રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો

April 27, 2024

ભાજપ ગૂગલ અને તેના વિડીયો પ્લેટફોર્મ યુ ટયુબ પર 100 કરોડ રુપિયાથી વધુની જાહેરાત આપનારો દેશનો સૌપ્રથમ રાજકીય પક્ષ બન્યો છે. ભાજપે ડિજિટલ પ્રચાર પાછળ ખર્ચેલી 101 કરોડ રુપિયાની રકમ કોંગ્રેસ, ડીએમકે અને પોલિટિકલ એડવાઇઝરી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી(આઇ-પેકે) 2018 પછી ખર્ચેલી રકમ સમકક્ષ છે. ગૂગલે તેનો ગૂગલ એડ ટ્રાન્સપરન્સી રિપોર્ટ મે 2018થી પ્રકાશિત કરવાનો શરુ કર્યો છે. ગૂગલ પર 31 મે 2018થી 25 એપ્રિલ 2024 દરમિયાન આવેલી જાહેરાતમાં ભાજપનો હિસ્સો 26 ટકા છે અને કુલ રકમ રુ. 390 કરોડ થાય છે. સર્ચિંગ જાયન્ટ પર આવતી આ એડ પોલિટિકલ કેટેગરીમાં આવે છે. 
અહીં મહત્ત્વની વાત એ છે કે ગૂગલની રાજકીય જાહેરાતની વ્યાખ્યા વિસ્તૃત છે. તેમા ન્યુઝ ઓર્ગેનાઇઝેશન્સ, સરકારી પ્રસિદ્ધિ વિભાગો અને રાજકારણીઓને દર્શાવતી કોમર્સિયલ એડની જાહેરાતો પણ રાજકીય એડમાં ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગૂગલ પર કુલ 217992 કન્ટેન્ટ આવ્યા અને તેમા 73 ટકા એટલે કે 161000 થી વધારે કન્ટેન્ટ ભાજપના હતા. ભાજપે સૌથી વધુ એડ કર્ણાટકના રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આપી હતી અને તે 10.8 કરોડ રુપિયા હતા. ઉત્તરપ્રદેશ માટે 10.3 કરોડ રુપિયા અને રાજસ્થાન માટે 8.5 કરોડ રુપિયા તથા દિલ્હી માટે 7.6 કરોડ રુપિયાની જાહેરાત આપી હતી. જો કે ગૂગલ પર પોલિટિકલ એડની વાત આવે તો બધાના આશ્ચર્ય વચ્ચે રાજ્ય તરીકે તમિલનાડુ ટોચ પર રહ્યું છે. તેના પછીના ક્રમે તેલંગણા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશ આવે છે. ગૂગલ પર એડ આપવામાં ભાજપ પછી 45 કરોડ સાથે કોંગ્રેસ બીજા ક્રમે આવે છે, એમ ટ્રાન્સપરન્સી સેન્ટર ડેટાના આંકડા કહે છે. કોંગ્રેસે આ સમયગાળા દરમિયાન ગૂગલ પર 5992 એડ પ્રકાશિત કરી છે. આ હિસ્સો ભાજપની કુલ એડનો માંડ 3.7 ટકા હિસ્સો થાય છે. તેનું એડ કેમ્પેઇન મુખ્યત્વે કર્ણાટક અને તેલંગણા પર ધ્યાન કેન્દ્રિત હતું. અહીં તેણે 9.6 કરોડ અને મધ્યપ્રદેશમાં રુ. 6.3 કરોડ ખર્ચ્યા છે. તમિલનાડુમાં શાસક પક્ષ ડીએમકે ગૂગલ પરની એડમાં ત્રીજા નંબરનો સૌથી મોટો રાજકીય પક્ષ છે. તેણે 2018થી 42 કરોડ રુપિયા ખર્ચ્યા છે. તેમા 16.4 કરોડની રકમ પોલિટિકલએડવાઇઝરી ફર્મ પોપ્યુલસ એમ્પાવરમેન્ટ નેટવર્ક દ્વારા આ વર્ષે ખર્ચ્યા છે. ચોથા નંબરે ભારત સેવા રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) આવે છે. તેણે 12 કરોડથી વધુ રકમ ખર્ચી હોવા છતાં તેનો કોંગ્રેસ સામે પરાજય થયો હતો.