ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપી દેવાયું

April 27, 2024

શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ચીન માટે જોરદાર ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટનું નિર્માણ 209 મિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે કરવામાં આવ્યું છે. એક સમયે ફ્લાઇટના અભાવે આ એરપોર્ટ વિશ્વનું સૌથી નિર્જન એરપોર્ટ ગણાતું હતું. મટાલા એરપોર્ટનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહિન્દા રાજપક્ષેના લગભગ એક દાયકા લાંબા શાસન દરમિયાન ઘણા વિશાળ માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ એક છે. શ્રીલંકાની સરકારના પ્રવક્તા અને મંત્રી બંધુલા ગુણવર્દનેએ જણાવ્યું હતું કે શ્રીલંકાની કેબિનેટે 9 જાન્યુઆરીએ સંભવિત પક્ષોના ટેન્ડર આમંત્રિત કરવા મંજૂરી આપી હતી. ત્યારબાદ 5 દરખાસ્તો મળી હતી. કેબિનેટ દ્વારા નિયુક્ત સલાહકાર સમિતિએ 30 વર્ષ માટે ભારતની શૌર્ય એરોનોટિક્સ (પ્રાઇવેટ) લિમિટેડ અને રશિયાની એરપોર્ટ્સ ઑફ રિજન મેનેજમેન્ટ કંપનીને મેનેજમેન્ટ એગ્રીમેન્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુણવર્દનેએ કહ્યું કે કેબિનેટે નાગરિક ઉડ્ડયન અને એરપોર્ટ સેવાઓના મંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ચીને આ પ્રોજેક્ટ માટે ઊંચા વ્યાજ દરે કોમર્શિયલ લોન આપી હતી. આ પ્રોજેક્ટ પર 209 અમેરિકન મિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાંથી 190 અમેરિકન મિલિયન ડૉલરની લોન ચીનની એક્ઝિમ બેંક દ્વારા ઊંચા વ્યાજ દરે આપવામાં આવી છે. શ્રીલંકાની સરકાર 2016 થી આ એરપોર્ટનું સંચાલન કરવા માટે વ્યવસાયિક ભાગીદારની શોધ કરી રહી હતી કારણ કે તેને ભારે નુકસાન થઈ રહ્યું હતું. અહીં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે ફ્લાઈટ્સની સંખ્યા સતત ઘટી રહી છે.  આ ઉપરાંત, આ એરપોર્ટ પર્યાવરણની દૃષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ હતું. સતત ખોટને કારણે એરપોર્ટના નિર્માણ પર સવાલો ઉભા થયા હતા. ઘણા નિષ્ણાતોએ કહ્યું કે આ એરપોર્ટ બનાવીને ચીને શ્રીલંકાને વધુ એક દેવાની જાળમાં ફસાવી દીધું. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને રશિયન કંપનીઓને મેનેજમેન્ટની જવાબદારી મળ્યા બાદ શું બદલાવ આવશે.