વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું

January 28, 2026

વિશ્વભરમાં વધતા ભૌગોલિક તણાવ વચ્ચે 'ગ્લોબલ ફાયરપાવર' (GFP) દ્વારા વર્ષ 2026ની વાર્ષિક સૈન્ય રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ૧૪૫ દેશોના સૈન્ય સામર્થ્યના વિશ્લેષણમાં ભારત દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના તરીકે પોતાની સ્થિતિ મજબૂત રાખી છે. બીજી તરફ, પાકિસ્તાન માટે આ રિપોર્ટ અત્યંત નિરાશાજનક રહ્યો છે, જે હવે ટોપ-10 માંથી બહાર ફેંકાઈને 14મા સ્થાને પહોંચી ગયું છે.

નિષ્ણાતોના મતે, પાકિસ્તાનના આ પતન પાછળ ભારત દ્વારા કરવામાં આવેલું 'ઓપરેશન સિંદૂર' મુખ્ય કારણ છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી શિબિરો પર સટીક હુમલા કરીને તેમની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. આ હાર અને આર્થિક કટોકટીને કારણે પાકિસ્તાની સેનાની ક્ષમતામાં સતત ત્રીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.

ભારતે 'આત્મનિર્ભર ભારત' હેઠળ સ્વદેશી હથિયારોના નિર્માણ અને સંરક્ષણ બજેટમાં વધારો કરીને અમેરિકા, રશિયા અને ચીન પછી પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. 2026નું આ લિસ્ટ સ્પષ્ટ કરે છે કે દક્ષિણ એશિયામાં ભારતનો દબદબો હવે પહેલા કરતા વધુ પ્રબળ બન્યો છે. અમેરિકા ગ્લોબલ ફાયરપાવર 2026 ની યાદીમાં ફરી ટોચના ક્રમે યથાવત્ છે. જ્યારે રશિયા 0.0791 ના સ્કોર સાથે દુનિયાની બીજી સૌથી મોટી સૈન્ય તાકાત છે. ચીન આ યાદીમાં ત્રીજા ક્રમે છે અને તેના પાછી ભારતનું ક્રમ આવે છે. જ્યારે પાંચમા ક્રમે દ.કોરિયાનો વારો આવે છે.