બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા

December 30, 2025

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપીએ આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ 'હું તો મજાક કરતો હતો' તેવું કહીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના 29 ડિસેમ્બર (સોમવાર)ની સાંજે આશરે 6:45 વાગ્યે મેહરાબારી વિસ્તારમાં આવેલી 'સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ' ફેક્ટરીમાં બની હતી. મૃતક બજેન્દ્ર બિસ્વાસ અને આરોપી નોમાન મિયા (29) બંને ફેક્ટરી પરિસરમાં બનેલા અંસાર બેરેકમાં તૈનાત હતા. વાતચીત દરમિયાન નોમાન મિયાએ પોતાની સરકારી શૉટગન બજેન્દ્ર તરફ તાકી હતી. આ દરમિયાન અચાનક ગોળી છૂટતા બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.