Asian Games 2023 : ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ

October 03, 2023

એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. અર્જુન સિંહ અને સુનીલ સિંહ સલામે ભારતને આજના દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કેનોઇ ડબલ્સ 1000 મીટરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામે પુરુષોની 1000 મીટર કેનોઈ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જ ભારત પાસે કુલ 61 મેડલ થઇ ગયા છે જેમાં 13 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ ઉપરાંત ભારતે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે તીરંદાજીમાં જ્યોતિ અને અદિતિએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અભિષેક વર્માએ પુરુષોની સિંગલ્સ તીરંદાજીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય તમામ ભારતીયોની નજર એથ્લેટિક્સ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડીઓ પર રહેશે.